સમગ્ર યુરોપમાં નકારાત્મક વીજળીના ભાવમાં મોટો ઉછાળો: સ્ટોરેજ સુવિધાઓના અભાવે ગ્રીન એનર્જી સેક્ટર પર ઉભા થયા ગંભીર પ્રશ્નો
યુક્રેન યુદ્ધ બાદ રશિયન ઓઈલ અને ગેસ પરની નિર્ભરતા ઘટાડવા માટે યુરોપિયન યુનિયન (EU) એ પવન અને સૌર ઊર્જાના ક્ષેત્રમાં જબરદસ્ત ઝડપથી પગલાં ભર્યા હતા. જોકે, આ ઝડપી સુધારાએ હવે એક અણધારી અને નવી જ ઉર્જા કટોકટીને જન્મ આપ્યો છે. સમગ્ર યુરોપિયન દેશોમાં પીક કલાકો (ઉત્પાદનના મુખ્ય સમય) દરમિયાન વીજળીનો ભરાવો એટલો વધી જાય છે કે જથ્થાબંધ બજારમાં વીજળીના ભાવ શૂન્યથી પણ નીચે એટલે કે ‘નકારાત્મક’ (Negative Power Prices) જઈ રહ્યા છે. યોગ્ય સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે આ પરિસ્થિતિ સમગ્ર ખંડના એનર્જી ગ્રીડ અને આર્થિક સ્થિરતા માટે મોટો ખતરો બની રહી છે.
સ્પેન ઉદાહરણ અને ૨૦ વર્ષનો સૌથી ખરાબ બ્લેકઆઉટ
સ્પેન આ સમગ્ર સમસ્યાનું મુખ્ય કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે. વધુ સૂર્યપ્રકાશ ધરાવતા આ દેશમાં સૌર ઊર્જાનો વિકાસ અત્યંત ઝડપી ધોરણે થયો છે, જેના પરિણામે સ્પેનિશ પાવર ગ્રીડ પર આજે લગભગ ૬૦ ટકા વીજળી પુનઃપ્રાપ્ય (રિન્યૂએબલ) સ્ત્રોતોમાંથી આવે છે. આનાથી વૈશ્વિક ઊર્જા સંકટ સમયે સ્પેન પોતાના પડોશી દેશો કરતાં ઓછી કિંમતે વીજળી મેળવવામાં સફળ રહ્યું, પરંતુ તેના કેટલાક ગંભીર પરિણામો પણ ભોગવવા પડ્યા છે.
ગત વર્ષે એપ્રિલ ૨૦૨૫ માં સ્પેન યુરોપના છેલ્લા ૨૦ વર્ષના સૌથી ભયાનક અને અભૂતપૂર્વ બ્લેકઆઉટનું શિકાર બન્યું હતું. છેલ્લા ૧૫ વર્ષોમાં સૌર ઊર્જામાં થયેલા અધધ રોકાણને કારણે વીજળીનો પુરવઠો ક્ષમતા કરતાં વધુ થઈ ગયો છે. બપોરના સમયે વીજળીના દરો શૂન્યથી નીચે જતા રહેતાં સોલાર પાર્કની આર્થિક કિંમત ઘટી ગઈ છે. આ જ કારણે ઘણા રોકાણકારો પોતાના પ્રોજેક્ટ્સ વેચીને બહાર નીકળી રહ્યા છે અને કેટલાક ડેવલપર્સ વ્યવસાય બંધ કરવા મજબૂર બન્યા છે.

જર્મની, ફ્રાન્સ સહિત સમગ્ર યુરોપમાં સ્થિતિ ચિંતાજનક
નકારાત્મક વીજ દરોની આ સમસ્યા માત્ર સ્પેન પૂરતી મર્યાદિત નથી પણ સમગ્ર યુરોપિયન યુનિયનમાં ફેલાઈ ચૂકી છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન જર્મનીમાં ૫૭૩ કલાક સુધી જથ્થાબંધ વીજળીના ભાવ માઈનસમાં નોંધાયા હતા, જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સિવાય સ્વીડન, નેધરલેન્ડ, સ્પેન અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ ઓક્ટોબર ૨૦૨૫ ના અંત સુધીમાં ૫૦૦ થી વધુ કલાક સુધી વીજ દરો નકારાત્મક રહ્યા હતા.
આ આંકડા દર્શાવે છે કે સ્ટોરેજ વગર નવીનીકરણીય ઊર્જામાં વધુ રોકાણ કરવું રોકાણકારો માટે ખોટનો ધંધો બની રહ્યો છે, જેનાથી ભવિષ્યમાં ગ્રીન એનર્જીના પ્રોજેક્ટ્સ અટકી જવાની ભીતિ છે.
ઈયુ પાસે સ્ટોરેજનો અભાવ અને આયાતી ગેસ પર નિર્ભરતા
ઓપ્ટિમાઇઝ્ડ બેટરી સ્ટોરેજ સિસ્ટમ વગર જ્યારે સૂર્યાસ્ત થાય છે કે પવનની ગતિ ધીમી પડે છે, ત્યારે ગ્રીડની વીજ જરૂરિયાત પૂરી કરવા માટે યુરોપિયન દેશોએ ફરીથી મોંઘા આયાતી અશ્મિભૂત ગેસ અને ઓઈલ પર નિર્ભર રહેવું પડે છે. હાલમાં યુરોપિયન યુનિયનમાં ૪૪ ટકા વીજળી રિન્યૂએબલ સ્ત્રોતોમાંથી આવતી હોવા છતાં, બ્લોક પોતાની કુલ ઉર્જા જરૂરિયાતો માટે ૫૫ ટકા જેટલી ઊર્જા બહારના દેશોમાંથી આયાત કરે છે.

૨૦૩૦ નો લક્ષ્યાંક અને આગામી પડકારો
સમસ્યાની ગંભીરતા સમજીને યુરોપિયન યુનિયનના ઉર્જા મંત્રીઓએ બ્લોકની ઉર્જા સંગ્રહ ક્ષમતાને ત્રણ ગણી કરવા માટે એક ઐતિહાસિક સમજૂતી કરી છે. આ યોજના હેઠળ ૨૦૨૮ સુધીમાં આશરે ૩૦ થી ૩૫ ગીગાવોટ (GW) ની નવી સ્ટોરેજ ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
જોકે, નિષ્ણાતોના મતે આ પ્રયાસો પૂરતા નથી. યુરોપને પોતાના ગ્રીન ટાર્ગેટ જાળવી રાખવા માટે ૨૦૩૦ સુધીમાં અંદાજે ૨૦૦ GWh સ્ટોરેજ ક્ષમતાની જરૂર પડશે. જેની સામે આજે સમગ્ર યુરોપિયન યુનિયન પાસે માત્ર ૫૫ GW જેટલું જ એનર્જી સ્ટોરેજ ઉપલબ્ધ છે, જે ભવિષ્યમાં મોટો સપ્લાય ગેપ સર્જી શકે છે.



