ક્વાર્ટર-૧ માં આવકમાં ૧૬% નો વધારો, હવે દેશના શ્રેષ્ઠ સોલાર ઝોન પર અદાણી ગ્રીનની નજર
ગુજરાતમાં સ્થિત વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ ‘ખાવડા પાર્ક’ ની ભવ્ય સફળતા બાદ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) હવે પોતાના વિસ્તરણના આગામી તબક્કામાં પ્રવેશવા જઈ રહી છે. કંપની સમગ્ર દેશમાં શ્રેષ્ઠ સૌર ઉર્જા ક્ષમતા ધરાવતી અનેક “ખૂબ જ મોટી” નવી સાઇટ્સનું ગંભીરતાથી મૂલ્યાંકન કરી રહી છે, જેથી હરિત ઉર્જા ક્ષેત્રે ભારતની ક્ષમતામાં મોટો વધારો કરી શકાય.
ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત પોતાના ફ્લેગશિપ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કના ઝડપી અને સફળ અમલીકરણથી પ્રોત્સાહિત થઈને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) હવે સમગ્ર ભારતમાં અનેક અતિ વિશાળ અક્ષય ઉર્જા સાઇટ્સ વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે. કંપની પોતાના વિસ્તરણના આગામી ચરણમાં ખાવડા પ્રોજેક્ટની સફળતા અને તેના વિશાળ સ્કેલનું પુનરાવર્તન કરવા માટે દેશના વિવિધ ભાગોમાં આયોજન કરી રહી છે.
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1) ના નાણાકીય પરિણામો જાહેર કર્યા બાદ રોકાણકારો અને બજાર વિશ્લેષકો સાથેની વિશેષ વાતચીતમાં અદાણી ગ્રીનના વરિષ્ઠ મેનેજમેન્ટે આ વ્યૂહાત્મક યોજનાઓની સત્તાવાર જાહેરાત કરી હતી.

પ્રથમ ક્વાર્ટરમાં આવક અને કામગીરીમાં મજબૂત વૃદ્ધિ
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીએ ઉત્કૃષ્ટ નાણાકીય કામગીરી પ્રદર્શિત કરી છે. ક્વાર્ટર દરમિયાન કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે ૧૬% ના મજબૂત વધારા સાથે ₹ ૪,૬૬૩ કરોડ પર પહોંચી ગઈ છે. આ જ સમયગાળા દરમિયાન કંપનીની પ્રાથમિક પ્રવૃત્તિ એટલે કે વીજ પુરવઠા (Power Supply) માંથી થતી આવકમાં ૨૯% નો તીવ્ર ઉછાળો નોંધાયો હતો, જે વધીને ₹ ૪,૨૮૦ કરોડ થઈ છે.
આવકમાં થયેલો આ મોટો વધારો દર્શાવે છે કે નવી કાર્યરત થયેલી વીજ પ્રોજેક્ટ ક્ષમતાઓને કારણે કંપનીના ઓપરેશનલ પરફોર્મન્સમાં સતત સુધારો થઈ રહ્યો છે.
નવી વિશાળ સાઇટ્સ અંગે મેનેજમેન્ટનું વિઝન
રોકાણકારોને સંબોધતા કંપનીના મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું હતું કે, “અમે દેશમાં ઘણી મોટી સાઇટ્સનું અત્યંત ગંભીરતાથી મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને તેના પર ઝડપથી કામગીરી ચાલી રહી છે. ખાવડા પ્રોજેક્ટનો અમારો અનુભવ અસાધારણ રીતે શ્રેષ્ઠ રહ્યો છે. આ સફળતાએ જ અમને દેશમાં આવા જ જટિલ અને વિશાળ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સને ઝડપથી અમલમાં મૂકવાનો અને કાર્યરત કરવાનો મોટો આત્મવિશ્વાસ આપ્યો છે.”

મેનેજમેન્ટે વધુમાં ઉમેર્યું હતું કે કંપની દેશના એવા ભૌગોલિક વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં સોલાર ઇરેડિયેશન (સૂર્યપ્રકાશની તીવ્રતા અને ગુણવત્તા) નો સ્તર દેશમાં સૌથી શ્રેષ્ઠ શક્ય હોય. આવી મહત્તમ ક્ષમતા ધરાવતી જગ્યાઓ પસંદ કરીને કંપની મોટા પાયે ‘હાઇ-યીલ્ડ’ સૌર અને પવન ઉર્જા પ્રોજેક્ટ્સ સ્થાપવા માગે છે.
કચ્છનું ખાવડા: વિશ્વના સહુથી મોટા રિન્યુએબલ પાર્કનું મોડેલ
અદાણી ગ્રીનના આ નવા આત્મવિશ્વાસનું મુખ્ય કેન્દ્રબિંદુ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક છે. કંપની આ પાર્કને વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ તરીકે વિકસાવી રહી છે.
આ પ્રોજેક્ટની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ૫૩૮ ચોરસ કિલોમીટરના વિશાળ રણ વિસ્તારમાં ફેલાયેલો છે, જે ફ્રાન્સના પેરિસ શહેરના કુલ ભૌગોલિક કદ કરતાં પણ લગભગ પાંચ ગણો મોટો છે. અદાણી ગ્રીનનો ધ્યેય વર્ષ ૨૦૨૯ સુધીમાં એકલા આ ખાવડા પાર્કમાંથી ૩૦ ગીગાવોટ (GW) ની પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાનો છે.
ભારતના ગ્રીન એનર્જી લક્ષ્યાંકોમાં યોગદાન
ભારત સરકારે ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ અક્ષય ઉર્જા ક્ષમતા હાસલ કરવાનો જે રાષ્ટ્રીય સંકલ્પ કર્યો છે, તેમાં અદાણી ગ્રીનની આ નવી યોજનાઓ અને ખાવડા જેવા મેગા પ્રોજેક્ટ્સ નિર્ણાયક ભમિકા ભજવશે. શ્રેષ્ઠ ટેકનોલોજી, કાર્યક્ષમ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને વિશાળ જમીન વિસ્તારોના ઉપયોગ દ્વારા કંપની ભારતને ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહી છે.



