સરકારી ઇમારતો પર સોલર પેનલ લગાવવામાં ગુજરાત નંબર વન, ઉમેરાશે 65 મેગાવોટ ક્ષમતા
ગુજરાત સરકારે રાજ્યમાં સૌર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારે વર્ષ 2026-27 દરમિયાન વધુ 15,000 સરકારી ઇમારતો પર ગ્રીડ-કનેક્ટેડ રૂફોપ સોલર સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ મહત્ત્વાકાંક્ષી વિસ્તરણથી રાજ્યની રિન્યુએબલ એનર્જી (હરિત ઉર્જા) ક્ષમતામાં અંદાજે 65 મેગાવોટ (MW)નો વધુ ઉમેરો થશે.
આ આખું વિસ્તરણ કાર્યક્રમ રાજ્યના ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હેઠળ કામ કરતી ‘ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી’ (GEDA) દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ રૂફટોપ સોલર પ્રોગ્રામ વર્ષ 2011-12થી સતત સુચારુ રૂપે ચાલી રહ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી અને સાર્વજનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગ્રીન એનર્જીના ઉપયોગને વધારવાનો, પરંપરાગત વીજળીની વપરાશ ઘટાડવાનો અને વીજળી પાછળ થતા સરકારી ખર્ચને બચાવવાનો છે.

ગત વર્ષના આંકડા અને બજેટ ફાળવણી
આ પહેલા વર્ષ 2025-26 દરમિયાન, રાજ્યની 1,377 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેનાથી 17.1 મેગાવોટ ક્ષમતા ઉમેરાઈ હતી. માર્ચ 2026 સુધીમાં આ પ્રોગ્રામ હેઠળ કુલ 6,014 સરકારી ઇમારતો સોલર પેનલથી સજ્જ થઈ ચૂકી છે, જેની કુલ સંચિત ક્ષમતા 95 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે.
આ યોજનાના મહત્ત્વને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે 314 કરોડ રૂપિયાનું મોટું બજેટ ફાળવ્યું છે. આ રકમમાંથી:
-
સામાન્ય સરકારી ઇમારતો માટે 278 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
-
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની ઇમારતો માટે 3 કરોડ રૂપિયા અપાયા છે.
-
આદિજાતિ વિકાસ વિભાગ (Tribal Development Department) હેઠળ આવતા મકાનો માટે 33 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ યોજના હેઠળ આવતી તમામ પરિયોજનાઓને ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના વાર્ષિક બજેટમાંથી 100 ટકા કેપિટલ-કોસ્ટ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે. એટલે કે સરકારી વિભાગોએ તેના માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડતો નથી.

ડિજિટલ મોનિટરિંગ અને IoT ટેક્નોલોજીનો ઉપયોગ
સૌર ઉર્જા પ્રણાલીઓની પારદર્શિતા અને ઉત્તમ પ્રદર્શન સુનિશ્ચિત કરવા માટે ગુજરાતે એક આધુનિક પહેલ કરી છે. સરકારી ઇમારતો પર લાગેલા સોલર ઇન્સ્ટોલેશનને ટ્રેક કરવા માટે રાજ્યે ‘ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ (IIoT) આધારિત રિન્યુએબલ એનર્જી મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે.
આ હાઇ-ટેક સિસ્ટમમાં સ્માર્ટ મીટર, સેન્સર્સ અને IoT ગેટવેને GPRS, 4G અને ઇથરનેટ નેટવર્ક દ્વારા જોડવામાં આવ્યા છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દર 15 મિનિટના અંતરાલે પરફોર્મન્સનો ડેટા રેકોર્ડ થાય છે, જેથી એક દિવસમાં આશરે 96 રીડિંગ્સ મેળવી શકાય છે. સાથે જ, કોઈપણ પ્રકારની ગરબડ કે ફોલ્ટ પર ઓટોમેટેડ રિમોટ એલર્ટ પણ મળી જાય છે.
વર્તમાન સમયમાં આ મોનિટરિંગ પ્લેટફોર્મ આશરે 142.5 મેગાવોટ સોલર કેપેસિટી અને 68.3 મેગાવોટ વિન્ડ કેપેસિટીને ટ્રેક કરી રહ્યું છે. જો કુલ આંકડાઓની વાત કરીએ, તો ગુજરાતની કુલ સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા હવે વધીને 47,178 મેગાવોટ થઈ ગઈ છે, જેમાં સોલર અને વિન્ડ એનર્જીનો મોટો હિસ્સો છે. સરકારી ખર્ચ ઘટાડવાની સાથે પર્યાવરણના રક્ષણની દિશામાં પણ આ એક મજબૂત કદમ સાબિત થઈ રહ્યું છે.



