અચાનક કેમ આટલી ઝડપથી ગરમ થઈ રહી છે પૃથ્વી? ૧૮૮૦ પછીનો સૌથી મોટો ડરાવનો રેકોર્ડ તૂટ્યો!
છેલ્લા કેટલાક વર્ષોથી આપણે વિશ્વભરમાં હવામાનના આકરા મૂડ અને કસમેયના ફેરફારો જોઈ રહ્યા છીએ. ક્યાંક અતિશય ગરમી, તો ક્યાંક અણધાર્યા પૂર જેવી હોનારતો સામાન્ય બની રહી છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ પૃથ્વીના તાપમાનને લઈને એક એવો દાવો કર્યો છે જેણે સમગ્ર માનવજાત માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે. ગ્લોબલ વોર્મિંગની ઝડપ હવે ધીમી કે સ્થિર નથી રહી, પરંતુ તે પહેલા કરતાં પણ વધારે તેજ ગતિએ આગળ વધી રહી છે. જર્મનીની ‘પોટ્સડમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટ ઇમ્પેક્ટ રિસર્ચ’ (PIK) ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસ મુજબ, પૃથ્વી પર તાપમાન વધવાનો દર હવે એક નવા જ ઊંચા સ્તરે પહોંચી ગયો છે.

૨૦૧૫ પછી તાપમાન વૃદ્ધિમાં મોટો ઉછાળો: દાયકે ૦.૩૫°C નો વધારો
આ સંશોધનમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ૨૦૧૫ પછી પૃથ્વીના ગરમ થવાના દરમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. જો આપણે ભૂતકાળ પર નજર કરીએ તો, વર્ષ ૧૯૭૦ થી ૨૦૧૫ દરમિયાન વૈશ્વિક તાપમાનમાં પ્રતિ દાયકે આશરે ૦.૨°C (ડિગ્રી સેલ્સિયસ) કરતાં થોડો ઓછો વધારો નોંધાતો હતો.
પરંતુ છેલ્લા દસ વર્ષના ડેટાનું વિશ્લેષણ કરતાં માલૂમ પડ્યું છે કે હવે તાપમાન વધવાનો આ દર વધીને પ્રતિ દાયકે આશરે ૦.૩૫°C થઈ ગયો છે. ૧૮૮૦ માં જ્યારે તાપમાનના સત્તાવાર રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ હતી, ત્યારથી લઈને આજ સુધીના કોઈપણ દાયકા કરતાં આ ઝડપ સૌથી વધુ છે. વિજ્ઞાનીઓના મતે, ૨૦૧૩ થી ૨૦૧૫ ની વચ્ચે જ આ ગતિ બદલાવાની શરૂઆત થઈ ગઈ હતી.
કુદરતી હોબાળા અને ‘નોઈઝ’ને અલગ કરીને મેળવાયો સાચો ડેટા
હવામાનના આંકડાઓમાં ઘણીવાર ટૂંકા ગાળાના કુદરતી ફેરફારોને કારણે સાચો ટ્રેન્ડ છુપાઈ જતો હોય છે. વૈજ્ઞાનિક ભાષામાં આને ‘નોઈઝ’ (Noise) અથવા અવાજ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે:
-
એલ નીનો (El Nino): પેસિફિક મહાસાગરમાંથી ગરમી મુક્ત કરીને વૈશ્વિક તાપમાનને હંગામી ધોરણે વધારી દે છે.
-
જ્વાળામુખીના વિસ્ફોટ: વાતાવરણમાં રાખ અને કણો ફેંકે છે, જે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરીને તાપમાનમાં તાત્કાલિક ઘટાડો લાવે છે.
-
સૌર ચક્ર (Solar Cycles): સૂર્યની પ્રવૃત્તિઓમાં થતા ફેરફારો પણ તાપમાનમાં નાના ઉતાર-ચઢાવ લાવે છે.
આ અભ્યાસના સહ-લેખક ગ્રાન્ટ ફોસ્ટરના જણાવ્યા અનુસાર, આ વખતે સંશોધકોએ આ તમામ કુદરતી અસરોને ડેટામાંથી ફિલ્ટર કરીને અલગ કરી દીધી છે. જ્યારે આ ‘નોઈઝ’ દૂર કરવામાં આવ્યો, ત્યારે લાંબા ગાળાના ગ્લોબલ વોર્મિંગનો સાચો અને સ્પષ્ટ ચહેરો સામે આવ્યો.
૯૮% કરતાં વધુ આંકડાકીય ચોકસાઈ: વિશ્વના ૫ મોટા ડેટાસેટ્સ પરથી પુષ્ટિ
આ પરિણામો કોઈ એકાદ ડેટા કે ક્ષેત્રીય ગણતરી પર આધારિત નથી. અભ્યાસના મુખ્ય લેખક સ્ટીફન રાહમ્સ્ટોર્ફ અને તેમની ટીમે વિશ્વની પાંચ સૌથી વિશ્વસનીય વૈશ્વિક તાપમાન સંસ્થાઓના ડેટાનો ઉપયોગ કર્યો હતો:
-
નાસા (NASA)
-
નોઆ (NOAA)
-
હેડક્રુટ (HadCRUT)
-
બર્કલે અર્થ (Berkeley Earth)
-
ઈઆરએ૫ (ERA5)

અલગ-અલગ પદ્ધતિઓ અને સંસ્થાઓ હોવા છતાં, આ પાંચેય ડેટાસેટ્સમાં એક સરખો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ૯૮ ટકાથી વધુ સ્ટેટિસ્ટિકલ સર્ટેનિટી (આંકડાકીય ચોકસાઈ) સાથે આ વાત સાબિત થઈ છે. આટલી ઊંચી ચોકસાઈ દર્શાવે છે કે તાપમાનમાં આવેલી આ ગતિ કોઈ અકસ્માત કે આંકડાની ભૂલ નથી, પરંતુ એક કડવી વાસ્તવિકતા છે. સંશોધકોએ ડેટા તપાસવા માટે ‘ક્વાડ્રેટિક ટ્રેન્ડ એનાલિસિસ’ અને ‘પીસવાઇઝ લીનિયર મોડેલ’ જેવી ગણિતની બે મજબૂત પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો, અને બંને પદ્ધતિઓએ આ જ સ્પીડ-અપ તરફ આંગળી ચિંધાડી છે.
પરિણામ એ આવ્યું કે જ્યારે ૨૦૨૩ અને ૨૦૨૪ ના અતિશય ગરમ વર્ષોમાંથી એલ નીનોની અસર બાદ કરવામાં આવી, તો પણ આ બંને વર્ષો માનવ ઇતિહાસના સૌથી ગરમ વર્ષો તરીકે જ નોંધાયા છે.
૨૦૩૦ પહેલાં જ ૧.૫°C ની જોખમી મર્યાદા વટાવી જવાનો ભય
આ અભ્યાસે ભવિષ્ય માટે એક ગંભીર ચેતવણી આપી છે. પેરિસ જળવાયુ કરાર (Paris Agreement) હેઠળ વિશ્વના દેશોએ વૈશ્વિક તાપમાન વધારાને પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતાં ૧.૫°C થી નીચે મર્યાદિત રાખવાનું લક્ષ્ય રાખ્યું હતું.
સંશોધનનું મુખ્ય તારણ: જો છેલ્લા ૧૦ વર્ષોમાં જોવા મળેલી તાપમાન વૃદ્ધિની આ જ ઝડપ આગળ પણ ચાલુ રહેશે, તો ૨૦૩૦ ની સાલ આવે તે પહેલાં જ પૃથ્વી ૧.૫°C ની આ જોખમી લક્ષ્મણરેખાને કાયમી ધોરણે પાર કરી જશે.
કોઈ એકાદ વર્ષ તાપમાન ૧.૫°C ઉપર જવું એ અલગ વાત છે, પરંતુ આ રિપોર્ટ કાયમી સ્તરે આ મર્યાદા તૂટી જવાની ભીતિ દર્શાવે છે.
ગતિ કેમ વધી તે રહસ્ય, પરંતુ ભવિષ્ય આપણા હાથમાં
નોંધનીય છે કે આ સંશોધન માત્ર તાપમાનની વધેલી ગતિને માપવા માટે કરવામાં આવ્યું હતું, તે ગતિ વધવા પાછળના ચોક્કસ કારણો શોધવા માટે નહીં. છતાં, વૈજ્ઞાનિકો જણાવે છે કે કમ્પ્યુટર મોડેલ્સ અને ક્લાઈમેટ મોડેલિંગ અનુસાર, વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધવાથી તાપમાનમાં આવી અચાનક તીવ્રતા આવવી શક્ય છે.
આપણે પૃથ્વીને કેટલી ઝડપથી ગરમ થતી રોકી શકીશું તેનો આધાર સંપૂર્ણપણે માનવજાત પર છે. કોલસો, તેલ અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઈંધણ (Fossil Fuels) માંથી થતા કાર્બન ઉત્સર્જનને આપણે કેટલી ઝડપથી શૂન્ય (Net-Zero) સુધી લઈ જઈ શકીએ છીએ, તેના પર જ પૃથ્વીનું ભવિષ્ય નિર્ભર રહેશે.

