બાંધકામ બંધ, AQI જોખમી ઝોનમાં પહોંચતાં તાત્કાલિક પ્રતિકારાત્મક પગલાં
દિલ્હી પછી હવે મુંબઈમાં પણ પ્રદૂષણનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેનાથી શહેરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનાં ચોથા તબક્કાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં AQI સતત ખરાબ થતાં હવામાન વધુ ઝેરી બન્યું છે. તાપમાન ઘટી રહ્યું છતાં વાયુમાલિન્ય ઓછું થવાના બદલે વધુ ઘેરાઈ ગયું છે, જેના કારણે પ્રદૂષણને કાબૂમાં રાખવા આવશ્યક પગલાં લેવામાં આવ્યા છે.
કયા વિસ્તારોમાં લાગુ પડ્યા નિયમો અને શું લાગુ પડશે પ્રતિબંધ
BMC એ શહેરમાં એવા સ્થળોની યાદી જાહેર કરી છે જ્યાં AQI ‘ખરાબ’થી ‘ખૂબ ખરાબ’ સ્તરે પહોંચી ગયો છે અને GRAP-4 લાગુ કરવાની ફરજ પડી છે. તેમાં મઝગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી પૂર્વ, અંધેરી પૂર્વ, પવઈ, નેવી નગર અને મુલુંડનો સમાવેશ થાય છે. આ ચોથો તબક્કો સૌથી કડક ગણાય છે જેમાં ધૂળ અને પ્રદૂષણ વધારતી પ્રવૃત્તિઓ પર સીધી અસર થાય છે. નિયમોના ઉલ્લંઘન પર દંડ અને કામ રોકવાની કાર્યવાહી પણ નક્કી છે.

બાંધકામ અને ધૂળજન્ય પ્રવૃત્તિ પર રોક, શહેરનું AQI 277 નોંધાયું
GRAP-4 લાગુ થતાં શહેરમાં 50 થી વધુ બાંધકામ સાઇટ્સને નોટિસ આપવામાં આવી છે અને કામ તાત્કાલિક અટકાવવામાં આવ્યું છે. સોમવારની સવારે મુંબઈનું સરેરાશ AQI 277 નોંધાયું, જે સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે. વડાલા અને BKC જેવા ઉદ્યોગ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર આથી પણ ગંભીર નોંધાયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સતત મોનીટરીંગ અને દંડની કાર્યવાહી કરી રહ્યું છે.
ઠંડી વધી પણ હવામાં સુધારો નહીં, દાયકા પછી સૌથી ઠંડો નવેમ્બર
30 નવેમ્બર મુંબઈ માટે અસામાન્ય રહ્યો, કારણ કે આ દાયકામાં નવેમ્બરનો સૌથી ઠંડો દિવસ નોંધાયો. સાન્તાક્રુઝમાં પારો 15.7°C સુધી નિમ્નસ્થાને ઉતર્યો, જે શનિવારની સરખામણીમાં લગભગ છ ડિગ્રી ઓછો હતો. હવામાન વિભાગ મુજબ આ ઘટાડાનું મુખ્ય કારણ સ્વચ્છ આકાશ, ઓછો ભેજ અને ઉત્તર તરફથી વેગવંતી ઠંડી હવા છે. છતાં, AQIમાં સુધારો ન જોવા મળતા ધુમ્મસ અને હવાઇ ઝાંખપો યથાવત રહ્યો.

તાપમાન ઘટ્યું છતાં પ્રદૂષણ યથાવત, નિષ્ણાતોની ચિંતા વધી
હાલમાં છવાયેલું ધૂંધીયું વાતાવરણ અને હવામાં વધતી ઝેરી કણોની માત્રા આરોગ્ય માટે ગંભીર ચેતવણી છે. હવા સાફ થવાની ગતી ઓછી હોવાથી પ્રદૂષણ ઉપરવાસમાં અટકી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો નિયંત્રણો કડક રીતે અમલમાં નહીં લાવવામાં આવે અને પરિવહન-ઉધ્યોગ ધૂળ નિયંત્રણમાં ન આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. તંત્ર અને નાગરિકો બંનેની સંયુક્ત જવાબદારી હવે અત્યંત મહત્વપૂર્ણ બની છે.

