લક્ષ્યાંક પૂરો કરવામાં તંત્ર પાછળ: છેલ્લા ૫ વર્ષમાં ભારત માત્ર ૮૦% ટ્રાન્સમિશન લાઈનોનું જ નેટવર્ક ઊભું કરી શક્યું
ભારતમાં ગ્રીન એનર્જી (ગ્રીન પાવર) ક્ષેત્રે ચાલી રહેલી ક્રાંતિ સામે હવે એક નવો અને અત્યંત ગંભીર પડકાર આવીને ઊભો રહ્યો છે. દેશમાં સોલાર (સૌર ઉર્જા) અને વિન્ડ (પવન ઉર્જા) પ્રોજેક્ટ્સ ખૂબ જ ઝડપથી સ્થાપિત થઈ રહ્યા છે, પરંતુ આ હરિયાળી વીજળીને દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે જે ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સમિશન લાઈનોની જરૂર છે, તેનો વિકાસ તેટલી ઝડપે થઈ રહ્યો નથી. આ વહીવટી અને માળખાકીય વિલંબના કારણે મોટા પાયે ઉત્પન્ન થતી ગ્રીન એનર્જીનો બગાડ થઈ રહ્યો છે અથવા તેને અટકાવવાની (રિડક્શન) ફરજ પડી રહી છે.
આંતરરાષ્ટ્રીય એનર્જી થિંક-ટેન્ક ‘એમ્બર’ (Ember) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભારતની ગ્રીન એનર્જી સફર પર એક ચિંતાજનક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (જાન્યુઆરીથી માર્ચ) ભારતમાં આશરે ૪૭૦ ગીગાવોટ-કલાક (GWh) નવીનીકરણીય ઉર્જા ગ્રીડમાં સામેલ ન થઈ શકવાના કારણે તેનો કાપ કરવો પડ્યો હતો. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ કુલ ઘટાડામાંથી લગભગ બે તૃતીયાંશ (૨/૩) ભાગ માત્ર અને માત્ર ટ્રાન્સમિશન નેટવર્કના અવરોધોના કારણે થયો હતો.
હાલમાં ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા ૫૪૩ ગીગાવોટ (GW) સુધી પહોંચી ગઈ છે, જેમાં સૌર ઉર્જાનો હિસ્સો ૧૫૪ ગીગાવોટ અને પવન ઉર્જાનો હિસ્સો ૫૬ ગીગાવોટ જેટલો મોટો છે. જો કે, આ ઉર્જાનું ઉત્પાદન અને તેનું રાષ્ટ્રીય સ્તરે ટ્રાન્સમિશન (વહન) કરવાની ક્ષમતા વચ્ચેનું અસંતુલન હવે આ ક્ષેત્રના રોકાણકારો અને સરકાર માટે સૌથી મોટું વ્યાપારી અને વહીવટી જોખમ બની રહ્યું છે.

ગુજરાત અને રાજસ્થાનમાં સ્થિતિ વધુ નાજુક
ભારતમાં યુટિલિટી-સ્કેલ એટલે કે વ્યાપારી ધોરણે મોટા સૌર અને પવન ઉર્જા પ્રોજેક્ટ્સ મુખ્યત્વે રાજસ્થાન અને ગુજરાતમાં આવેલા છે. આ બંને રાજ્યોમાં વિશાળ જમીન અને ભૌગોલિક સાનુકૂળતાને કારણે ગ્રીન એનર્જીનું ઉત્પાદન અપેક્ષા કરતાં પણ વધુ ઝડપે વધી રહ્યું છે. પરંતુ, આ અંતરિયાળ વિસ્તારોમાંથી વીજળીને દેશના ઔદ્યોગિક હબ અથવા મુખ્ય શહેરો સુધી લઈ જવા માટે હાઈ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈનો ઉપલબ્ધ નથી. એમ્બરના વરિષ્ઠ ઊર્જા વિશ્વેષક દત્તાત્રેય દાસે આ અંગે જણાવ્યું હતું કે, “ટ્રાન્સમિશન મર્યાદાઓને કારણે ભારતમાં નવીનીકરણીય ઉર્જાનો આ બગાડ હવે ભૌતિક અને આર્થિક રીતે નુકસાનકારક સ્તરે પહોંચવા લાગ્યો છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતે હવે પરંપરાગત ‘જનરેશન-નેતૃત્વ ટ્રાન્સમિશન પ્લાનિંગ’ (જ્યાં પહેલા વીજ પ્લાન્ટ બને છે અને પછી લાઈનો વિચારાય છે) માંથી બહાર નીકળીને એવું મોડેલ અપનાવવું પડશે જ્યાં વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન બંનેનું આયોજન એકસાથે અને સમાંતર રીતે થાય.
સરકારનો સ્વીકાર અને સંભવિત ઉકેલો
નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) ના એક ઉચ્ચ અધિકારીએ આ અહેવાલના તારણોને સ્વીકારતા જણાવ્યું છે કે ગ્રીન પાવરનો આ રીતે થતો ઘટાડો ખરેખર ચિંતાનો વિષય છે. સરકાર હાલમાં આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વીજ મંત્રાલય અને કેન્દ્રીય વીજળી નિયમનકારી આયોગ (CERC) સાથે સતત બેઠકો કરી રહી છે. અધિકારીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં નવીનીકરણીય ઉર્જાને મુખ્ય ગ્રીડમાં સ્થિરતા સાથે એકીકૃત કરવા માટે મોટા પાયે ‘બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલીઓ’ (BESS) અને આધુનિક ‘ગ્રીડ-ફોર્મિંગ ઇન્વર્ટર’ નો ઉપયોગ કરવો ફરજિયાત બનશે, જેથી પાવર સપ્લાયમાં ઉતાર-ચઢાવ નિયંત્રિત કરી શકાય.

માળખાકીય વિલંબ પાછળના મુખ્ય કારણો
એમ્બરના અહેવાલમાં એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ભારત છેલ્લા પાંચ વર્ષમાં તેના વાર્ષિક ટ્રાન્સમિશન લક્ષ્યાંકોના માત્ર ૮૦ ટકા જ હાંસલ કરી શક્યું છે, જેના કારણે જૂનો બેકલોગ સતત વધી રહ્યો છે. માત્ર નાણાકીય વર્ષ ૨૦૨૭ (FY27) ની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જ દેશને ૬૧,૦૦૦ સર્કિટ કિલોમીટરથી વધુ લાંબી આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઈનોની તાતી જરૂર છે. આ વિલંબ પાછળ મુખ્યત્વે ‘રાઇટ-ઑફ-વે’ (Right-of-Way) એટલે કે જમીન પરથી લાઈનો પસાર કરવાના કાનૂની વિવાદો, ખેડૂતો અને સ્થાનિક વહીવટીતંત્ર વચ્ચે જમીન સંપાદનના અવરોધો, જંગલ વિસ્તારમાંથી લાઈનો લઈ જવા માટેની વન મંજૂરીઓ (Forest Clearances) માં થતો સમયનો બગાડ અને કટોકટીના સમયે હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન ઉપકરણોની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સર્જાયેલી તંગી જવાબદાર છે. જો ભારત પોતાના ગ્રીન એનર્જીના લક્ષ્યાંકો સમયસર પૂરા કરવા માંગતું હોય, તો તેણે ટ્રાન્સમિશન નેટવર્કને રાષ્ટ્રીય અગ્રતા આપવી જ પડશે



