ભારત ઉર્જા આત્મનિર્ભરતાના માર્ગે: પીએમ સૂર્ય ઘર યોજના પરિવર્તન માટે એક નવો માપદંડ
આજે સમગ્ર વિશ્વ એક મોટા ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલો ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં પણ વિશ્વની લગભગ ૮૦ ટકા ઉર્જા જરૂરિયાતો કોલસા, તેલ અને કુદરતી ગેસ જેવા પરંપરાગત અશ્મિભૂત ઇંધણ પર આધારિત છે. આવા કપરા સમયમાં જે દેશ ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર નથી, તેનું અર્થતંત્ર હંમેશા જોખમમાં રહે છે. આ વૈશ્વિક પડકારને ભારતે એક મોટી તક તરીકે સ્વીકાર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડીને નવીનીકરણીય ઉર્જા (રિન્યુએબલ એનર્જી) તરફ ખૂબ જ ઝડપથી પ્રયાણ કર્યું છે. આ દિશામાં દેશની ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ એક ક્રાંતિકારી અને પરિવર્તનકારી માપદંડ સાબિત થઈ રહી છે.

હરિત ઉર્જા તરફ ભારતના મજબૂત કદમ
ભારત સરકારે દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે એક સર્વગ્રાહી વ્યૂહરચના અપનાવી છે. આ અંતર્ગત માત્ર કોઈ એક યોજના નહીં, પરંતુ અનેક મોરચે સાથે કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલું ‘રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન’, ખેડૂતો માટેની ‘પીએમ-કુસુમ યોજના’, દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘ઓફશોર પવન ઉર્જા પ્રોજેક્ટ્સ’ અને રહેણાંક વિસ્તારો માટેની ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ જેવી વિઝનરી પહેલો ભારતના ભવિષ્યનો નવો પાયો નાખી રહી છે. આ તમામ પ્રકલ્પોમાં ‘પીએમ સૂર્ય ઘર યોજના’ સૌથી વધુ લોકપ્રિય અને સફળ જાહેર ભાગીદારી-સંચાલિત (જનભાગીદારી) કાર્યક્રમ તરીકે ઉભરી આવી છે. આ યોજનાએ સરકારી ફાઈલોમાંથી બહાર નીકળીને સામાન્ય નાગરિકોના ઘરની છત સુધી પહોંચવામાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે.
પીએમ સૂર્ય ઘર યોજનાની આંકડાકીય સિદ્ધિઓ
૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ સત્તાવાર રીતે શરૂ કરાયેલી આ યોજનાએ ખૂબ જ ટૂંકા ગાળામાં આશ્ચર્યજનક પ્રગતિ કરી છે. નવી દિલ્હીથી પત્રકાર પ્રશાંત દેવના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં દેશભરમાંથી ૪.૩૩ મિલિયન (એટલે કે ૪૩.૩૭ લાખથી વધુ) પરિવારો આ યોજનાનો હિસ્સો બની ચૂક્યા છે અને પોતાના ઘરો પર સોલાર પેનલ લગાવી ચૂક્યા છે. આ આંકડો દર્શાવે છે કે દેશના લોકો સ્વચ્છ ઉર્જા અપનાવવા માટે કેટલા ઉત્સુક છે.
યોજનાની સફળતા પાછળ સરકારનો આર્થિક સહયોગ પણ મહત્વનો રહ્યો છે. અત્યાર સુધીમાં સરકારે ₹૨૪,૮૯૫ કરોડથી વધુની માતબર રકમ સીધી સબસિડી સ્વરૂપે સામાન્ય નાગરિકોના ખાતામાં વિતરિત કરી છે. આ વ્યાપક જનભાગીદારીના પરિણામે, યોજના હેઠળ અંદાજે ૧૨.૭ ગીગાવોટ (GW) જેટલી વધારાની સૌર ઉર્જા ક્ષમતા દેશના મુખ્ય ગ્રીડમાં સફળતાપૂર્વક સંકલિત કરવામાં આવી છે. આ આંકડા માત્ર કાગળ પરના નંબરો નથી, પરંતુ ભારતના ઘરોમાં આવી રહેલી ઉર્જા ક્રાંતિની જીવંત સાક્ષી છે.
ગ્રાહકમાંથી ઉત્પાદક: એક સામાજિક અને આર્થિક પરિવર્તન
આ યોજનાની સૌથી સુંદર અને નોંધપાત્ર વિશેષતા એ છે કે તે નાગરિકોની ભૂમિકાને સંપૂર્ણપણે બદલી રહી છે. સદીઓથી સામાન્ય માણસ વીજળીનો માત્ર એક ‘ગ્રાહક’ (કન્ઝ્યુમર) રહ્યો છે, જેણે દર મહિને વીજળીનું બિલ ચૂકવવું પડતું હતું. પરંતુ પીએમ સૂર્ય ઘર યોજનાએ નાગરિકોને ‘ઉત્પાદક’ (પ્રોડ્યુસર) બનાવી દીધા છે. પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને પરિવારો હવે પોતાની જરૂરિયાતની વીજળી જાતે જ પેદા કરી રહ્યા છે.
આનાથી બહુઆયામી ફાયદા થઈ રહ્યા છે. પ્રથમ તો પરિવારોનું વીજળી બિલ શૂન્ય થઈ રહ્યું છે અથવા નહિવત આવી રહ્યું છે. બીજું, આ સ્વચ્છ ઉર્જાના કારણે રસોઈ ગેસ (LPG) પરની નિર્ભરતા ઘટી રહી છે કારણ કે લોકો ઇન્ડક્શન જેવા સાધનો તરફ વળી રહ્યા છે. ત્રીજું, દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) નો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે લોકો પોતાના ઘરની મફત સૌર ઉર્જાથી જ વાહનો ચાર્જ કરી રહ્યા છે. આમ, આ યોજના સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની માસિક બચતમાં મોટો વધારો કરી રહી છે અને તેમનું જીવનધોરણ સુધારી રહી છે.
આર્થિક પ્રોત્સાહનો, સસ્તી લોન અને ‘મેક ઇન ઇન્ડિયા’
સરકારે આ યોજનાને માત્ર સબસિડી પૂરતી મર્યાદિત નથી રાખી, પરંતુ તેને સામાન્ય લોકો માટે વધુ સુલભ બનાવવા માટે નાણાકીય વ્યવસ્થા પણ મજબૂત કરી છે. મધ્યમ અને ગરીબ પરિવારો પર સોલાર પેનલ લગાવવાનો શરૂઆતી આર્થિક બોજ ન પડે તે માટે દેશની રાષ્ટ્રીયકૃત બેંકો માત્ર ૫.૭૫ ટકાના ખૂબ જ આકર્ષક અને સસ્તા વ્યાજ દરે ‘કોલેટરલ-મુક્ત’ (કોઈપણ ગેરંટી વગરની) લોન આપી રહી છે. આનાથી સામાન્ય નાગરિકો માટે લોન લેવાની પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ છે.

આ સાથે જ, આ યોજના ભારતના સ્થાનિક ઉદ્યોગોને પણ નવી ઉર્જા આપી રહી છે. સરકારની ALMM (એપૃવ્ડ લિસ્ટ ઓફ મોડ્યુલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ) નીતિને કારણે આ યોજનામાં ભારતમાં બનેલી સોલાર પેનલો અને સાધનોનો જ ઉપયોગ કરવામાં આવે છે. આનાથી વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને જબરદસ્ત વેગ મળ્યો છે. સ્થાનિક સ્તરે સોલાર પેનલનું ઉત્પાદન વધતાં રોજગારીની નવી તકો ઉભી થઈ છે. અત્યાર સુધીમાં દેશના અંદાજે ૧.૯૦ લાખ યુવાનોને ‘સૂર્ય મિત્ર’ તરીકે તાલીમ આપીને આ ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ રોજગાર પૂરો પાડવામાં આવ્યો છે, જે દેશના કૌશલ્ય વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ છે.
વૈશ્વિક સ્તરે ભારતનું વધતું કદ અને ભવિષ્યના લક્ષ્યો
આજે ભારત વૈશ્વિક મંચ પર ગ્રીન એનર્જી ક્ષેત્રે એક અગ્રણી દેશ તરીકે ઉભરી આવ્યો છે. વર્તમાન સમયમાં ભારત ૨૮૩.૪૬ ગીગાવોટ (GW) થી વધુની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સાથે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ગ્રીન એનર્જી ઉત્પાદક દેશ બની ગયો છે. આ એક એવી સિદ્ધિ છે જેની થોડા વર્ષો પહેલા કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું. દેશની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાં હવે બિન-અશ્મિભૂત ઇંધણ (નોન-ફોસિલ ફ્યુઅલ) એટલે કે પવન, સૌર અને જળ ઉર્જાનો હિસ્સો ૫૧.૫ ટકા પર પહોંચી ગયો છે. એટલે કે આપણી અડધાથી વધુ વીજળી હવે પ્રદૂષણ વગર ઉત્પન્ન થઈ રહી છે.
ભારત અહીં જ અટકવાનું નથી. દેશે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ (GW) ગ્રીન એનર્જી ક્ષમતા પ્રાપ્ત કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે અને વર્તમાન ગતિ જોતાં ભારત આ લક્ષ્ય સમય પહેલા પૂર્ણ કરે તેવી પૂરી સંભાવના છે.



