પીએમ-કુસુમ યોજનાથી નર્મદાના ડુંગરાળ વિસ્તારોમાં ક્રાંતિ: સોલાર પંપથી આદિવાસી ખેડૂતો બન્યા આત્મનિર્ભર
ભારતના કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી અને સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ કરીને છેવાડાના ખેડૂતો સુધી સમૃદ્ધિ પહોંચાડવાનું કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. ખાસ કરીને ડુંગરાળ, જંગલ અને આદિવાસી વિસ્તારોમાં, જ્યાં વીજળીના નેટવર્કનો અભાવ હતો અને ખેડૂતો માત્ર વરસાદ કે મોંઘા ડીઝલ પંપ પર નિર્ભર હતા, ત્યાં કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન’ (PM-KUSUM) યોજના એક વરદાન સાબિત થઈ રહી છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં શૂલપાણેશ્વર અભયારણ્ય અને ઇકો-સેન્સિટિવ વિસ્તારમાં વસતા હજારો આદિવાસી પરિવારો માટે પીએમ-કુસુમ યોજના આર્થિક સશક્તિકરણનું મોટું માધ્યમ બની છે.
જિલ્લાના ૨ લાખ ૮૧ હજાર હેક્ટર ભૌગોલિક વિસ્તારમાંથી ૧ લાખ ૫ હજારથી વધુ હેક્ટર વિસ્તાર ડુંગરાળ અને જંગલોથી ઘેરાયેલો છે. દેડિયાપાડા અને સાગબારા જેવા તાલુકાઓમાં વીજળીની લાઈનો નાખવા પર પર્યાવરણીય મર્યાદાઓ હોવાથી ખેડૂતો વર્ષોથી માત્ર ચોમાસાની ખેતી કરતા હતા. આ પરિસ્થિતિમાં PM-KUSUM-B હેઠળ ઓફ-ગ્રીડ સ્ટેન્ડઅલોન સોલાર પંપે સિંચાઈનું ચિત્ર બદલી નાખ્યું છે.

સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે
દેશભરમાં યોજના હેઠળ ૧૪ લાખ ઓફ-ગ્રીડ સોલાર પંપ સ્થાપવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૧૧.૪૯ લાખથી વધુ પંપ તૈનાત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં મંજૂર કરાયેલા ૨૨,૭૯૨ સોલાર પંપમાંથી ૨૨,૭૮૭ પંપ સ્થાપિત કરાયા છે, જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે ₹૬૦૦ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. આ યોજનાના અમલીકરણમાં નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે, જ્યાં ૧૪,૯૮૯ આદિવાસી ખેડૂતોને ₹૬૧૮.૪૧ કરોડના ખર્ચે સોલાર પંપ ફાળવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આદિવાસી વિસ્તારોમાં કેન્દ્રની ૬૦ ટકા અને રાજ્ય સરકારની ૪૦ ટકા સબસિડી મિશ્રિત કરીને ૧૦૦ ટકા સહાય આપવામાં આવે છે. જેના કારણે ગરીબ અને સીમાંત આદિવાસી ખેડૂતો પર એકપણ રૂપિયાનો આર્થિક બોજ પડતો નથી.

પર્યાવરણ અને વિકાસ વચ્ચેનું અદ્ભુત સંતુલન
શૂલપાણેશ્વર અભયારણ્ય જેવા સંવેદનશીલ ઝોનમાં વીજળીના થાંભલા કે સબ-સ્ટેશન બનાવવાની જરૂર ન પડતી હોવાથી જંગલના કુદરતી વાતાવરણને કોઈ નુકસાન થતું નથી. ડીઝલ પંપ બંધ થવાથી વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ઘટ્યું છે, જેથી વન્યજીવોની ગતિવિધિઓને પણ અવરોધ પહોંચતો નથી.
આ યોજનાથી ખેડૂતો હવે વર્ષમાં ત્રણ પાક (ખરીફ, રવિ અને ઉનાળુ) લેતા થયા છે. મકાઈ, ડાંગર, કઠોળ અને શાકભાજીના વિપુલ ઉત્પાદનથી ખેડૂતોની આવક વધી છે અને ગામડાંઓમાંથી થતું રોજીરોટીનું સ્થળાંતર અટક્યું છે. વધુમાં, લીલો ઘાસચારો ઉપલબ્ધ થતાં પશુપાલન અને દૂધ ઉત્પાદનને પણ નવો વેગ મળ્યો છે.
અંતરિયાળ ગામના ખેડૂતની રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર
આ યોજનાની સફળતાનો ઉત્તમ દાખલો દેડિયાપાડાના સામોટ ગામના આદિવાસી ખેડૂત રાકેશભાઈ વસાવા છે. અગાઉ માત્ર એક પાક લેતા રાકેશભાઈ સોલાર પંપ મેળવ્યા બાદ વર્ષમાં ત્રણ પાક લેતા થયા. તેમની આ પ્રગતિની નોંધ લઈને મંત્રાલય દ્વારા તેમને ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પર્વમાં આમંત્રિત કરાયા હતા, જ્યાં તેમને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે સીધો સંવાદ કરવાનો ઐતિહાસિક અવસર મળ્યો હતો.
પીએમ-કુસુમ યોજના નર્મદાના આદિવાસીઓ માટે માત્ર વીજળી કે સોલાર પંપ નથી, પરંતુ સ્વચ્છ ઊર્જા, આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસનું જીવંત પ્રતીક બની ગઈ છે.



