સૌર ઉર્જા વરદાન કે આફત? કેરળમાં સોલાર પાવર ૨,૫૦૦ મેગાવોટે પહોંચતા સરકારી વીજ કંપની મુશ્કેલીમાં
વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જી એટલે કે પર્યાવરણને અનુકૂળ ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તમામ સરકારો એડીચોટીનું જોર લગાવી રહી છે. આ ક્રાંતિમાં દક્ષિણ ભારતના કેરળ રાજ્યએ એક નવો ઈતિહાસ રચ્યો છે, પરંતુ આ જ ઈતિહાસ હવે સ્થાનિક સ્તરે વહીવટી અને આર્થિક મોરચે મોટો પડકાર બનીને સામે આવ્યો છે. કેરળમાં રૂફટોપ સોલાર પાવર (ઘરોની છત પર સોલાર પેનલ) ના ઉત્પાદનમાં છેલ્લા થોડા વર્ષોમાં એટલો વિસ્ફોટક વધારો થયો છે કે તે હવે વરદાનને બદલે ગ્રીડ માટે બળતણ સમાન સાબિત થઈ રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૧૮ માં કેરળમાં રૂફટોપ સોલાર ક્ષમતા માત્ર ૧૭ મેગાવોટ (MW) હતી, જે વર્ષ ૨૦૨૬ માં વધીને ૨,૫૦૦ મેગાવોટથી પણ વધુ થઈ ગઈ છે. ગ્રીન એનર્જીનું આ સ્તરે ઉત્પાદન થવું એ નિઃશંકપણે પર્યાવરણ માટે એક સ્વસ્થ વિકાસ છે, પરંતુ આ જ પરિવર્તને કેરળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ (KSEB) ના પાવર નેટવર્કને તેની અંતિમ મર્યાદા સુધી ધકેલી દીધું છે.
‘સૌરા’ થી ‘પીએમ સૂર્ય ઘર’ સુધીની સફર
કેરળ સરકારે રાજ્યમાં સૌર ઉર્જાના વપરાશ અને ઉત્પાદનને વેગ આપવા માટે વર્ષ ૨૦૧૮ માં મહત્વકાંક્ષી ‘સૌરા પ્રોજેક્ટ’ ની શરૂઆત કરી હતી. સરકારી વીજ કંપની KSEB એ આ યોજનાને જન-જન સુધી પહોંચાડવા માટે મોટા પાયે જાગૃતિ અભિયાનો ચલાવ્યા, જાહેરાતો કરી અને ગ્રાહકોને પ્રોત્સાહિત કર્યા. પરંતુ, આ ક્રાંતિને અસલી વેગ ત્યારે મળ્યો જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ લોન્ચ કરવામાં આવી. આ યોજના હેઠળ પ્રોસ્યુમર્સ એટલે કે એવા ગ્રાહકો જેઓ પોતે વીજળી વાપરે છે અને વધારાની વીજળી ગ્રીડને વેચે છે, તેમને મોટી સબસિડી મળવા લાગી. આ સબસિડીના આકર્ષણના કારણે કેરળના લાખો મધ્યમવર્ગીય પરિવારોએ પોતાના ઘરની છત પર સોલાર પેનલ્સ લગાવી દીધી, જેને કારણે ઉર્જા ઉત્પાદનમાં અણધાર્યો ઉછાળો આવ્યો.

પાવર ગ્રીડ પર વધી રહ્યું છે તકનીકી દબાણ
અચાનક ૨,૫૦૦ મેગાવોટથી વધુ સોલાર વીજળી સિસ્ટમમાં આવવાના કારણે KSEB નું આખું પાવર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક (વીજ વિતરણ વ્યવસ્થા) લથડી ગયું છે. ભારતની પરંપરાગત ગ્રીડ પ્રણાલી એટલી સક્ષમ નથી કે તે દિવસ દરમિયાન ઉત્પન્ન થતી આટલી વિશાળ માત્રામાં સોલાર ઉર્જાને એકસાથે સંભાળી શકે અથવા સ્ટોર કરી શકે. જ્યારે સૂર્યપ્રકાશ પૂરતો હોય ત્યારે ગ્રીડમાં વોલ્ટેજ ફ્લકચ્યુએશન (વધ-ઘટ) ની સમસ્યા સર્જાય છે, જે આખા વિસ્તારના ટ્રાન્સફોર્મર અને લોકલ લાઈનોને નુકસાન પહોંચાડી શકે છે. KSEB માટે અત્યારે સૌથી મોટો પડકાર એ છે કે દિવસ દરમિયાન જ્યારે સોલાર પાવર પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે ત્યારે ગ્રીડને સ્થિર કેવી રીતે રાખવી, કારણ કે સાંજ પડતાની સાથે જ આ સોલાર પાવર શૂન્ય થઈ જાય છે અને અચાનક પરંપરાગત હાઇડ્રો કે થર્મલ પાવર પર નિર્ભર રહેવું પડે છે.

બિન-સૌર ગ્રાહકો પર આર્થિક બોજો
આ સોલાર ક્રાંતિની સૌથી ચોંકાવનારી અને નકારાત્મક આડઅસર એ સામાન્ય ગ્રાહકો પર પડી રહી છે જેમણે પોતાના ઘરે સોલાર પેનલ નથી લગાવી. સોલાર પેનલ લગાવનારા ગ્રાહકોનું બિલ નહિવત અથવા શૂન્ય થઈ જાય છે, જેના કારણે સરકારી વીજ કંપની (KSEB) ની આવકમાં મોટો ખાડો પડ્યો છે. કંપનીના ફિક્સ ઓપરેશનલ ખર્ચ અને ગ્રીડ મેન્ટેનન્સનો ખર્ચ તો એટલો જ રહે છે. આ ખોટને સરભર કરવા માટે વીજ કંપનીઓ દ્વારા ટેરિફ (વીજ દર) માં સુધારો કરવામાં આવી રહ્યો છે, જેની સીધી અસર એવા ગ્રાહકોના માસિક બિલ પર પડી રહી છે જેઓ હજુ પણ સામાન્ય વીજળી વાપરે છે. એટલે કે, સોલાર ન વાપરતા ગ્રાહકોએ હવે વધુ મોંઘી વીજળી ખરીદવી પડી રહી છે. કેરળનો આ કિસ્સો સાબિત કરે છે કે જો ગ્રીન એનર્જી ક્રાંતિનું આયોજન ગ્રીડ મેનેજમેન્ટ અને આર્થિક સંતુલનને ધ્યાનમાં રાખીને કરવામાં ન આવે, તો તે સમગ્ર પાવર સેક્ટર માટે મોટું જોખમ બની શકે છે.



