ભારતના મેરીટાઇમ ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યો તરફ મોટું પગલું
ગુજરાતના દીનદયાળ પોર્ટ ખાતે દેશનું પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક ગ્રીન ટગ ઉમેરાવા જઈ રહ્યું છે, જે ભારતના સમુદ્રી ક્ષેત્રના ડીકાર્બોનાઇઝેશન પ્રયત્નોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાશે. આ ટગના નિર્માણ માટે જરૂરી સ્ટીલ કટિંગ પ્રક્રિયાને કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે વર્ચ્યુઅલી મંજૂરી આપી છે. ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ હેઠળ બનેલું આ નવું ટગ દેશની સમુદ્રી સેવાઓને વધુ પર્યાવરણમૈત્રી બનાવશે. દીનદયાળ પોર્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ સમુદ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આધુનિકતાનો નવો ધબકાર લાવશે.
ડીઝલ ટગ્સના સ્થાને શૂન્ય ઉત્સર્જન ક્ષમતા ધરાવતું ટગ
નવું ઓલ-ઇલેક્ટ્રિક ટગ દેશના મુખ્ય બંદરો પર હાલમાં કાર્યરત ડીઝલ ટગ્સના સ્થાન પર તબક્કાવાર કાર્યભાર સંભાળશે. 60-ટન બોલાર્ડ પુલ ક્ષમતા ધરાવતું આ ટગ ઊર્જા કાર્યક્ષમતા અને શૂન્ય કાર્બન ઉત્સર્જન માટે જાણીતું રહેશે. સમુદ્રી ખેંચાણ કામગીરી માટે ઉપયોગ થતા બોલાર્ડ પોઈન્ટ્સને વધુ સક્ષમ બનાવવા માટે આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી સોનોવાલે નોંધ્યું છે કે આ ટગ વડાપ્રધાનની ગ્રીન વિઝનનો જીવંત દાખલો છે, જે દેશના બંદરોને વધુ સ્વચ્છ અને આધુનિક બનાવશે. આ પગલાથી વૈશ્વિક મેરીટાઇમ ક્ષેત્રમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનવાની આશા છે.

ભવિષ્યમાં મિથેનોલ, હાઇડ્રોજન અને એમોનિયા આધારિત ટગ્સનો ઉમેરો
દીનદયાળ પોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ આવનારા સમયમાં ગ્રીન ટગ્સનો બીજો કાફલો બિન-અશ્મિભૂત ઇંધણો પર આધારિત રહેશે. મિથેનોલ, હાઇડ્રોજન અથવા એમોનિયા જેવા સ્વચ્છ ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરનાર આ ટગ્સ મેરીટાઇમ ઉદ્યોગમાં ઇંધણ ક્રાંતિ લાવશે. ઇન્ડિયા મેરીટાઇમ વિઝન 2030 મુજબ દેશના મુખ્ય બંદરો પરના ઓછામાં ઓછા અડધા ટગ્સને 2030 સુધીમાં ગ્રીન ટગ્સથી બદલવાનું લક્ષ્ય છે. બ્લુ ઇકોનોમીને ટકાઉ બનાવવા માટે આ પગલું અત્યંત મહત્વનું માનવામાં આવે છે. અધિકારીઓનું માનવું છે કે આ પ્રયત્ન પર્યાવરણીય સંવેદનશીલતા સાથે વિકાસને ગતિ આપશે.

ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ: ‘મેક્ઇન ઇન્ડિયા’ને મજબૂત બનાવતી પહેલ
વર્ષ 2023માં શરૂ કરાયેલ ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ ‘પંચ કર્મ સંકલ્પ’ હેઠળની એક પ્રાથમિક પહેલ છે. 2024માં તેના અમલનો પ્રથમ તબક્કો શરૂ થયો હતો અને 2027ના અંત સુધી તે ચાલુ રહેશે. દીનદયાળ પોર્ટ ઉપરાંત જવાહરલાલ નેહરુ પોર્ટ, પારાદીપ પોર્ટ અને વી.ઓ. ચિદમ્બરનાર પોર્ટ પણ આ યોજના હેઠળ બે–બે ગ્રીન ટગ્સને સામેલ કરશે. 1,000 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ અંગે સોનોવાલે જણાવ્યું હતું કે આ પહેલ ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ને સમુદ્રી ક્ષેત્રમાં મજબૂત બનાવશે. સાથે જ ડીઝલ આધારિત ટગ્સની ઘટાડતી જરૂરિયાતથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે.



