સૌર ઊર્જામાં છટણી નહીં પરંતુ હાઈ-પેઈંગ જોબ્સ: જાણો AI કેવી રીતે બદલી રહ્યું છે સોલાર ઈન્ડસ્ટ્રી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનના કારણે આજે દેશ-વિદેશમાં અનેક ઉદ્યોગોમાં કર્મચારીઓની છટણી થઈ રહી હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. ફેક્ટરીઓ અને કંપનીઓમાં નિયમિત તથા પુનરાવર્તિત કાર્યો હવે મશીનો અને સોફ્ટવેર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ, આ પડકારજનક સ્થિતિ વચ્ચે સ્વચ્છ ઊર્જા એટલે કે ગ્રીન એનર્જી ક્ષેત્રે એક અત્યંત આશાસ્પદ ચિત્ર ઉપસી રહ્યું છે. ક્લીન એનર્જી અને ખાસ કરીને સોલાર પ્રોડક્શન ક્ષેત્રે AI ના ઉપયોગથી છટણીને બદલે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જેના કારણે પગારમાં બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે.

ગ્રીન સેક્ટરમાં જુદા જુદા સ્તરે પગાર વધારાનો અંદાજ
ઉદ્યોગ જગતના તાજેતરના અંદાજો મુજબ, વર્ષ ૨૦૨૬ માં ગ્રીન સેક્ટરમાં પ્રવેશતા એન્ટ્રી-લેવલના પ્રોફેશનલ્સ માટે પગારમાં ૧૨ થી ૧૫ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે મિડ-લેવલ પર કામ કરતા ટેકનિશિયનો અને એન્જિનિયરો માટે ૧૮ થી ૨૨ ટકા અને સિનિયર પ્રોફેશનલ્સ માટે ૨૫ થી ૩૦ ટકા સુધીનો જંગી પગાર વધારો નોંધાઈ રહ્યો છે.
આ પગાર વધારા પાછળનું મુખ્ય કારણ સ્કીલ્ડ ટેલેન્ટની ભારે અછત છે. હાલમાં એવા નિષ્ણાતોની ખૂબ જ કમી છે જેઓ પરંપરાગત મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન તથા એડવાન્સ પ્રોસેસ કંટ્રોલ જેવી આધુનિક ટેકનોલોજી બંનેનું ઊંડું જ્ઞાન ધરાવતા હોય.
સોલાર પ્લાન્ટ્સમાં મેન્યુઅલ ચેકિંગથી AI મોડેલિંગ તરફ કૂચ
સૌર ઊર્જાના ઉત્પાદનમાં અગાઉ સોલાર સેલ કે પેનલ્સની ખામીઓ તપાસવા માટે વિશાળ માનવબળની જરૂર પડતી હતી. હવે AI-સંચાલિત ‘ઓટોમેટેડ વિઝન સિસ્ટમ્સ’ અને ‘પ્રિડિક્ટિવ ક્વોલિટી કંટ્રોલ’ સાધનો ખૂબ જ ઝડપથી ઝીણામાં ઝીણી ક્ષતિઓ શોધી કાઢે છે. કેટલીક અદ્યતન ઉત્પાદન લાઈનો તો સિસ્ટમના ડેટાના આધારે પોતાની જાતે જ જરૂરી ફેરફારો પણ કરી લે છે.
જોકે, આ સ્માર્ટ મશીનો આવ્યા પછી પણ માનવ જરૂરિયાત ઘટી નથી પરંતુ બદલાઈ છે. હવે ફેક્ટરીઓને એવા કુશળ લોકોની જરૂર છે જે આ AI સિસ્ટમ્સનું કેલિબ્રેશન કરી શકે, તેનો ડેટા સમજી શકે, અને બદલાતી સ્થિતિ મુજબ AI મોડેલોને ફરીથી ટ્રેઈન કરી શકે. સોલાર સોલ્યુશન્સ આપતી કંપની નેવિટાસ સોલારના COO વિજય મેનનના જણાવ્યા મુજબ, ઉદ્યોગ માટે વાસ્તવિક સવાલ કે અવરોધ ઓટોમેશન નથી, પરંતુ આવા બુદ્ધિશાળી મશીનો સાથે કામ કરી શકે તેવું સુસજ્જ કાર્યબળ ઊભું કરવાનો છે. જો કંપનીઓ પોતાના સ્ટાફના અપસ્કિલિંગ અને તાલીમમાં રોકાણ કરશે તો ગુણવત્તા વધવાની સાથે ઉચ્ચ મૂલ્ય ધરાવતી નવી કારકિર્દીઓ પણ સર્જાશે.

૨૦૪૭ સુધીમાં ૩.૫ કરોડ નવી ગ્રીન જોબ્સનું લક્ષ્યાંક
ભારત જ્યારે સ્વચ્છ ઊર્જાના ઉત્પાદનમાં વૈશ્વિક લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દેશમાં આગામી ૨૦૪૭ સુધીમાં ૩૫ મિલિયન (૩.૫ કરોડ) થી વધુ ગ્રીન જોબ્સ સર્જાવાનો અંદાજ છે. આ ગણતરી મુજબ ભારતમાં દર વર્ષે આશરે ૧૬ લાખ નવી નોકરીઓ ઊભી થશે.
જોકે, ભવિષ્યની ફેક્ટરીઓમાં માત્ર મશીન ચલાવવું કે શારીરિક શ્રમ કરવો પૂરતો નહીં રહે. કર્મચારીઓ માટે હવે મશીનમાંથી બહાર આવતા ડેટાનું પૃથ્થકરણ કરવું અને તેની કાર્યક્ષમતા વધારવી એ સૌથી મૂલ્યવાન કૌશલ્ય બની રહેશે. આમ, ભારતનો સોલાર ઉદ્યોગ સાબિત કરી રહ્યો છે કે AI થી રૂટિન કામો ઘટશે, પરંતુ તેનાથી સર્જાતી નવી નોકરીઓ વધુ કુશળતા માગશે અને કર્મચારીઓને વધુ સારું વળતર અપાવશે.



